ભારતનો સાહિત્યિક વારસો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
પ્રશ્ન 1.
ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો.
અથવા
વેદો કેટલા છે? કયા ક્યા? દરેકની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
વેદો ચાર છેઃ (1) ઋગ્વદ, (2) યજુર્વેદ, (3) સામવેદ અને (4) અથર્વવેદ.
- ઋગ્વદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.
- યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
- સામવેદમાં ઋવેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ‘ગંગોત્રી’ કહે છે.
- અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
પ્રશ્ન 2.
તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.
ઉત્તર:
તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
- સાતમા સૈકામાં તે ભારતના મહત્ત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.
- એક દંતકથા (મોખિક વાત) પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે.
- તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.
- વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા.
- ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.
- તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું.
- પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
પ્રશ્ન 3.
મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.
ઉત્તર:
મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું.
- આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો.
- મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું.
- આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણગ્રંથો, વિજ્ઞાનવિષયક ગ્રંથો અને કેટલાક લોકિક સાહિત્યના ગ્રંથો રચાયા.
- મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું.
- દિલ્લીના સલ્તનતકાળ દરમિયાન હિંદી ભાષાનાં બે સ્વરૂપો – વ્રજ અને ખડીબોલીમાં અનેક ભક્તિગીતો રચાયાં.
- રાજસ્થાની ભાષામાં ‘આલ્હા’, ‘ઉદલ’, ‘બીસલદેવરાસો’ નામની – પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ.
- મુલ્લા દાઉદરચિત ‘ચંદ્રાયન’ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
- જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો (ટીકા ગ્રંથો) સંસ્કૃત ભાષામાં રચાયા હતા.
- સલ્તનતકાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
- તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે.
- કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોકસાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુંકડી (સધુક્કડી) લોકબોલીમાં છે.
- આ સમયમાં અવધિ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો.
- બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્ય ભક્તિગીતો રચ્યાં.
- નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાંબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યાં.
- કશ્મીરમાં જૈનુલ અબિદિનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
- વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ રચ્યો.
- મુઘલ બાદશાહ બાબરે ‘તુઝુકે બાબરી’ અને બાદશાહ જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા બહુમાયુનામા’ લખી.
- બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આયર્ન-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા.
- છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર ઉર્દૂ ભાષાનો કવિ હતો.
- મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષા-સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા.
- 18મી સદી દરમિયાન ઉર્દૂ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
પ્રશ્ન 1.
વલભી વિદ્યાપીઠની માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખોઃ વલભી વિદ્યાપીઠ
અથવા
કઈ રીતે કહી શકાય કે, ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું વિદ્યાધામ વલભી અતિ પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું? સમજાવો. (August 20)
ઉત્તરઃ
વલભી વિદ્યાપીઠ ઈ. સ. 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.
- ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું.
- વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મેત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો.
- વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બોદ્ધધર્મી નહોતા, સનાતની હતા; છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો.
- વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ છે તેમજ દેશ-વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા.
- એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં, બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું.
- 7મા સૈકાની મધ્યમાં બોદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા.
- આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી.
- વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
- ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે, વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી.
- આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો.
પ્રશ્ન 2.
નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.
અથવા
નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે? તેની વિસ્તૃત સમજ આપો. (March 20)
ઉત્તર:
પ્રશ્નમાં આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠની વિસ્તૃત સમજ નીચે પ્રમાણે છે :
- નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી.
- નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો.
- મહાવીર સ્વામીએ અહીં ચોદ ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું.
- ઈસુની 5મીથી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ-પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા.
- આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ‘ધર્મગંજ’ના નામથી ઓળખાતો હતો.
- 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન-ગ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.
- નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાનખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલાં અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્ય પૂરાં પાડવામાં આવતાં હતાં.
- નાલંદા વિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.
- લગભગ 700 વર્ષ સુધી દેશ-પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
યજુર્વેદ વિશે સમજૂતી આપો.
અથવા
યજુર્વેદનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપોમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો. ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન 2.
અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે?
ઉત્તર:
અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.
પ્રશ્ન 3.
શ્રીમદ્ભગવદ્ગીતામાં ક્યા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે?
ઉત્તર:
શ્રીમદ્ભગવદ્ગીતામાં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ – આ ત્રણ મોક્ષપ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે.
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ………………………… છે.
A. સર્વેદ
B. યજુર્વેદ
C. સામવેદ
D. અથર્વવેદ
ઉત્તર:
A. સર્વેદ
પ્રશ્ન 2.
બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? –
A. પાલિ
B. હિંદી
C. બ્રાહ્મી
D. ગુજરાતી
ઉત્તર:
A. પાલિ
પ્રશ્ન 3.
દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?
A. તમિલ
B. તેલુગુ
C. કન્નડ
D. મલયાલમ
ઉત્તર:
A. તમિલ
પ્રશ્ન 4.
કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?
A. પૃથ્વીરાજરાસો
B. વિક્રમાંકદેવચરિત
C. કવિરાજ માર્ગ
D. ચંદ્રાયન
ઉત્તર:
A. પૃથ્વીરાજરાસો
પ્રશ્ન 5.
મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?
A. અષ્ટાધ્યાયી
B. પૃથ્વીરાજરાસો
C. વિક્રમાંકદેવચરિત
D. ચંદ્રાયન
ઉત્તર:
A. અષ્ટાધ્યાયી
