Class 9 Social Science Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

1. નીચેના પ્રશ્નોના જવાબ મુદાસર લખો:

પ્રશ્ન 1.
વૈશ્વિક મહામંદી(ઈ. સ. 1929 -1932)ના ઉદ્ભવની અસરો જણાવો.
ઉત્તર:
વૈશ્વિક મહામંદી(ઈ. સ. 1929 – 1932)ની અસરો નીચે મુજબ હતી:

  • વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ રે હતી.
  • વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટબ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામતરૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી. ગ્રેટબ્રિટનના આ પગલાની અસર વિશ્વનાં અન્ય રાષ્ટ્રો પર પણ પડી.
  • અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. અમેરિકામાં અનેક કારખાનાં તેમજ ઉદ્યોગ-ધંધા બંધ પડી ગયાં.
  • અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા.
  • વૈશ્વિક મંદીએ અમેરિકની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવાં પડ્યાં. વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા. વિશ્વનો વેપાર ઘટીને અરધો થઈ ગયો.

પ્રશ્ન 2.
દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેની જવાબદાર પરિબળોની ચર્ચા કરો.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતાં:

1. ઉગ્ર રાષ્ટ્રવાદઃ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું.

  • જર્મનીમાં હિટલરના નાઝી પક્ષ અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો.
  • જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. પરિણામે વિશ્વશાંતિ જોખમાઈ.

2. જૂથબંધીઓ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલૅન્ડ, રુમાનિયા અને ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રીકરારો કર્યા.

  • ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઑસ્ટ્રિયા સાથે કરાર કર્યા.
  • ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો ધરીની રચના કરી.
  • રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા.
  • ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું.

3. લશ્કરવાદઃ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા.

  • રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી.
  • યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો.
  • જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્રસામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું. અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું.
  • આમ, શસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધનાં નગારાં વાગવા લાગ્યાં.

4. રાષ્ટ્રસંઘની નિષ્ફળતાઃ ઇટાલી, જાપાન અને જર્મની જેવાં રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય-લાલસા સંતોષવા નાનાં અને નબળાં રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યાં.

  • રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી.

5. વર્સેલ્સની સંધિઃ જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની પર 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધદંડ નાખવામાં આવ્યો.

  • આ સંધિ મુજબ તેનો રુદ્ધ પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો.
  • જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
  • જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા.
  • વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી.
  • તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને ‘કાગળનું ચીંથરું’, કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું.
  • વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાયું હતું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો.
  • આમ, વર્સેલ્સની અન્યાયી સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

6. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા : હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી.

  • 12 માર્ચ, 1938ના દિવસે હિટલરે ઑસ્ટ્રિયા પર આક્રમણ કરી તેની પર સત્તા જમાવી.
  • 1 ઑક્ટોબર, 1938ના રોજ તેણે ઝેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો.
  • માર્ચ, 1939માં તેણે લિથુઆનિયાનું મેમેલ (Mamal) બંદર કબજે 1 કર્યું.
  • આમ, હિટલરે વર્સેલ્સની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષી.
  • હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી.

7. જર્મનીનું પોલૅન્ડ પરનું આક્રમણ (તાત્કાલિક પરિબળ): જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય-લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું.

  • 1 સપ્ટેમ્બર, 1939ના દિવસે હિટલરે પોલૅન્ડ પર આક્રમણ કર્યું.
  • બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી. પરંતુ જર્મનીએ તેની અવગણના કરી.
  • તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલૅન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.

પ્રશ્ન 3.
દ્વિતીય વિશ્વયુદ્ધનાં પરિણામો લખો.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધનાં પરિણામો નીચે મુજબ હતાં:

1. આર્થિક પરિણામો: દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો.

  • અમેરિકાને 350 અબજ ડૉલરનો અને બીજાં રાષ્ટ્રોને લગભગ 1 અબજ ડૉલર કરતાં વધુ ખર્ચ થયો.
  • આ યુદ્ધમાં જેટલા ડૉલરનો ખર્ચ થયો હતો એટલી જ કિંમતની મિલકતોનો નાશ થયો.
  • ઇંગ્લેન્ડે લગભગ 2 હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી.
  • આ યુદ્ધમાં ભાગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. યુરોપના દેશોમાં ચીજવસ્તુઓની અછત, મોંઘવારી, બેકારી, ભૂખમરો વગેરે સમસ્યાઓ ઊભી થઈ. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વિશ્વના બધા દેશોમાં મહામંદી પ્રસરી.

2. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના ઈ. સ. 1917માં રશિયામાં થયેલી બૉલ્સેવિક ક્રાંતિથી ચીન સહિત વિશ્વનાં અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા.

  • દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ હતી. પરિણામે ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો.
  • આ પરિસ્થિતિનો લાભ લઈ ચીનમાં માઓ-સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ. ક્રાંતિને અંતે ઈ. સ. 1949માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.

3. ઠંડું યુદ્ધ: દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકાતરફી અને રશિયા-તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં સત્તાજૂથો રચાયાં. વિશ્વનાં નાનાં રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તાજૂથોમાં જોડાયાં. આ બંને સત્તાજૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી, શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ’ (Cold War) તરીકે ઓળખાઈ.

4. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહ-અસ્તિત્વના હેતુથી 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય કાર્યાલય યુ.એસ.એ.ના ન્યૂ યોર્ક શહેરમાં રાખવામાં આવ્યું.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી?
ઉત્તરઃ
વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા; આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા; વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા; શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા; આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવહકોનું રક્ષણ કરવા; વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો(UN)ની સ્થાપના કરવામાં આવી.

પ્રશ્ન 2.
સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની સમજ આપો.
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્ત્વ ધરાવે છે.

  • તેની કુલ સભ્યસંખ્યા 54 છે. સામાન્ય સભા તેમની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે. દર વર્ષે 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે.
  • આર્થિક અને સામાજિક સમિતિ – ઇકોસોક (Economic and Social Council- ECOSOC) તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યવિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે છે.
  • તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરે છે.
  • આ સમિતિની દેખરેખ નીચેની તેની પેટા સમિતિઓ (સંસ્થાઓ) વિશ્વભરમાં કામ કરે છે:
  • ‘હું’ – વિશ્વ-આરોગ્ય સંસ્થા (World Health Organization – WHO) : તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે.
  • આંતરરાષ્ટ્રીય બૅન્ક અને નાણાં ભંડોળ (International Monetary Fund – IMF) : તે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે.
  • ‘ફાઓ’: આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા (Food and Agricalture Organization – FAO) : તે દુનિયાના બધા દેશોમાં કૃષિ-ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે.
  • યુનિસેફ : સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ (United Nations International Children’s Emergency Fund – UNICEF) : તે વિશ્વનાં બાળકોનું સ્વાથ્ય સુધારવા પૌષ્ટિક આહારની અને બાળકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે.
  • યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (United Nations Educational Scientific Cultural Organization – UNESCO) તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે.

3. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ
ઉત્તરઃ
સલામતી સમિતિ (Security Council) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે.

  • તે 15 સભ્યોની બનેલી છે. જેમાં યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન
  • આ પાંચ તેના કાયમી સભ્યો છે અને બાકીના દસ બિનકાયમી સભ્યો છે.
  • સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે.
  • ચર્ચાઓને અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવા સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે.
  • સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને ‘નિષેધાધિકાર’ કે ‘વીટો’ (Veto Power) કહેવામાં આવે છે.
  • આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.
    એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્યરાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. -સભ્યરાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવા પ્રયાસો કરે છે.

પ્રશ્ન 2.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા
ઉત્તર:
સામાન્ય સભા (General Assembly) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધાં સભ્યરાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે.

  • સામાન્ય સભાની 23 બહુમતી અર્થાત્ સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે.
  • દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે. પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે.
  • હાલમાં (ઈ. સ. 2016માં) સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે.
  • સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે. પરંતુ મહત્ત્વના પ્રશ્ન હાજર રહેલા સભ્યરાષ્ટ્રોની 23 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે.

મુખ્ય કાર્યો:

  1. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ, સૂચનો કે ભલામણો કરે છે.
  2. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રને તે મંજૂર કરે છે અને સંયુક્ત રાષ્ટ્રોના દરેક અંગના ખર્ચની રકમોની ફાળવણી કરે છે.
  3. વિશ્વનાં રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ-અધિકાર, નિઃશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો અંગે સામાન્ય સભા કામ કરે છે.
  4. તે સંયુક્ત રાષ્ટ્રોનાં વિવિધ અંગોના સભ્યોની ચૂંટણી કરે છે.
  5. તે દર વર્ષે પોતાનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે.
    • સામાન્ય સભાને વિશ્વની સંસદ (World Parliament – વર્લ્ડ પાર્લમન્ટ) કહી શકાય.
    • સામાન્ય સભાનું વડું મથક ન્યૂ યૉર્કમાં છે.

4. એક વાક્યમાં જવાબ આપો:

પ્રશ્ન 1.
દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઈ. સ. 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી.

પ્રશ્ન 2.
જર્મનીનો સરમુખત્યાર કોણ હતો?
ઉત્તર:
ઍડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો.

પ્રશ્ન 3.
ઈટાલીના સરમુખત્યારનું નામ આપો.
ઉત્તરઃ
ઇટાલીના સરમુખત્યારનું નામ બેનિટો મુસોલિની હતું.

પ્રશ્ન 4.
દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો.
ઉત્તર :
દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર, 1939ના રોજ જર્મનીનું પોલૅન્ડ પરનું આક્રમણ હતું.

પ્રશ્ન 5.
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં છે.

પ્રશ્ન 6.
‘ઠંડું યુદ્ધ’ એટલે શું?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકાતરફી અને રશિયા-તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં સત્તાજૂથો રચાયાં. વિશ્વનાં નાનાં રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તાજૂથોમાં જોડાયાં. આ બંને સત્તાજૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાફ અને વિચાર યુદ્ધો કરી, શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, તેને ઠંડું યુદ્ધ’ (Cold War) કહેવામાં આવે છે.

5. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?
A. હિટલર
B. મુસોલિની
C. લેનિન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
A. હિટલર

પ્રશ્ન 2.
વિશ્વના માનવીઓનું સ્વાથ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?
A. WHO
B. IMF
C. FAO
D. ILO
ઉત્તરઃ
A. WHO

પ્રશ્ન 3..
નીચેનામાંથી સાચું વિધાન શોધો.
A. જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો.
B. મુસોલિની જર્મનીનો લીડર હતો.
C. નાઝી પક્ષનું પ્રતીક લાકડાંની ભારી અને કુહાડી’ હતું.
D. મુસોલિનીએ ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.
ઉત્તરઃ
D. મુસોલિનીએ ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.