ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. શાથી?
અથવા
ભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન કઈ રીતે મોકાનું છે?
અથવા
ભારતનું
ભૌગોલિક સ્થાન શાથી મહત્ત્વનું છે?
અથવા કારણો આપોઃ ભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન મહત્ત્વનું છે.
ઉત્તરઃ
- ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે.
- સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો પણ ઘણો વિકાસ થયો છે.
- પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે.
પ્રશ્ન 2.
ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ શાથી ધરાવે છે?
ઉત્તરઃ
- ઉત્તર ભારતમાં નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી, વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વતશિખરો, 3 ઉચ્ચપ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલાં છે.
- ઉત્તરનું 3 મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાંપની માટીનું
બનેલું છે. તેની દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વિીપકલ્પ કહેવાય છે. - દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ અગ્નિકૃત 5 અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશની પ્રાચીનતમ ભૂ-ભાગ છે. તેમાં પ્રાચીન પર્વતશ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચપ્રદેશો છે.
- ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે.
ઉપર દર્શાવેલાં ભૂ-સ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે, 3 ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે.
પ્રશ્ન 3.
ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે?
અથવા
કારણો આપોઃ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.
ઉત્તરઃ
- જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રમાર્ગે થાય છે, એટલે જે દેશોને સમુદ્રકિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે.
- ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્રમાર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત, તેના લાંબા સમુદ્રમાર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઑફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુ.એસ.એ. પહોંચી શકાય છે. આમ, સમુદ્રમાર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.
પ્રશ્ન 4.
“ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે.” સમજાવો.
ઉત્તર:
બધા ધમ, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીનાં દ્વાર ખુલ્લાં રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે.
ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાનાં સાંસ્કૃતિક તત્ત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વયતીર્થ બન્યું છે.
પ્રશ્ન 5.
મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે, તે જણાવો.
ઉત્તરઃ
મૃદાવરણીય પ્લેટો મુખ્ય સાત છેઃ
- પૅસિફિક પ્લેટ,
- ઉત્તર અમેરિકન પ્લેટ,
- દક્ષિણ અમેરિકન પ્લેટ,
- યુરેશિયન પ્લેટ,
- આફ્રિકન પ્લેટ,
- ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
- ઍન્ટાટિક પ્લેટ.
2. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
પ્રશ્ન 1.
પ્રમાણ સમય
અથવા
પ્રમાણસમયની સમજ આપો.
ઉત્તરઃ
સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણસમય’ તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશનાં કે વિભાગનાં બધાં સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણસમય છે, જ્યારે કેનેડા અને યુ.એસ.એ.માં છ-છ તથા રશિયામાં અગિયાર પ્રમાણસમય છે.
પ્રશ્ન 2.
કર્કવૃત્ત
ઉત્તર :
વિષુવવૃત્તથી 23°30′ ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશવૃત્તને ‘કર્કવૃત્ત’ કહે છે.
પ્રશ્ન 3.
દીપકલ્પ
અથવા
દ્વિપકલ્પ એટલે શું?
ઉત્તરઃ
જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ દ્વીપકલ્પ’ કહેવાય છે. દા. ત., દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે.
પ્રશ્ન 4.
અપસારી પ્લેટ
અથવા
અપસારી પ્લેટ એટલે શું?
ઉત્તરઃ
કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. આ પ્લેટો ‘અપસારી પ્લેટ’ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે.
પ્રશ્ન 5.
ગોળાર્ધ
અથવા
ગોળાર્ધનો ભોગોલિક અર્થ સમજાવો.
ઉત્તર:
વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, તે દરેક ભાગ પૃથ્વીનો ‘ગોળાર્ધ’ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ‘ઉત્તર ગોળાર્ધ’ અને દક્ષિણે આવેલો ભાગ ‘દક્ષિણ ગોળાર્ધ’ કહેવાય છે.
પ્રશ્ન 6.
અભિસરણ
ઉત્તરઃ
- કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટો ‘અભિસારી પ્લેટ’ કહેવાય છે.
- અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે. હિમાલયની રચના આ પ્રકારે થઈ છે.
3. નીચેના પ્રશ્નોના જવાબ લખો:
પ્રશ્ન 1.
ભારતનાં સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતનું સ્થાનઃ

- ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે.
- તેના મુખ્ય ભૂમિ-ભાગ સિવાય તેમાં બે દ્વીપસમૂહો – લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
- તેનો મુખ્ય ભૂમિ-ભાગ 8°4′ અને 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ 68°7′ અને 97°25′ પૂર્વ રેખાંશવૃત્તોની વચ્ચે આવેલો છે. તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે.
- ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તે 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલો છે.
- લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન-નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં છે.
- ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન; પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે.
ભારતનો વિસ્તાર:
- ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે જગતના ભૂ-ક્ષેત્રના માત્ર 2.42 % જેટલું છે.
- ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં સાતમો છે.
- ભારતથી મોટા છ દેશો અનુક્રમે રશિયા, કૅનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા છે. આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતાં બેથી પાંચ ગણો મોટો છે.
- ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત્ 29° -30° જેટલા છે. પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે. ઉત્તર-દક્ષિણ (અક્ષાંશીય) વિસ્તાર આશરે 3214 કિમી છે, જ્યારે પૂર્વ-પશ્ચિમ (રેખાંશીય) વિસ્તાર આશરે 2933 કિમી છે.
- કર્કવૃત્ત (23°30′ ઉ.અ.) ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા ભાગ કરે છે.
- રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે આવેલાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
- ભારતના પ્રમાણસમયની રેખા 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવેલા ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણસમય ગણાય છે.
- ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે. તેમાં હિમાલય અને ઉત્તરનાં મેદાનો આવેલાં છે, દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે. આ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ઘણો મોટો ભાગ અને દરિયાકિનારાનાં મેદાનો આવેલાં છે.
પ્રશ્ન 2.
સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે?
ઉત્તરઃ
- રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર 3 ઈ. સ. 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.
- આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે.
પ્રશ્ન 3.
પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો.
ઉત્તરઃ
પૃથ્વીનો પોપડો ‘ઍન્થનોસ્ફિયર’ના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ-સપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ, મુખ્ય સાત ‘મૃદાવરણીય પ્લેટ’ (લિથોસ્ફિરિક પ્લેટ) રચાઈ છે.
- મુખ્ય સાત મૃદાવરણીય (લિથોસ્ફિરિક) પ્લેટો:
(1) પૅસિફિક પ્લેટ,
(2) ઉત્તર અમેરિકન પ્લેટ,
(3) દક્ષિણ અમેરિકન પ્લેટ,
(4) યુરેશિયન પ્લેટ,
(5) આફ્રિકન પ્લેટ,
(6) ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
(7) ઍન્ટાર્કટિકા પ્લેટ.
- કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને ‘અપસારી પ્લેટ’ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને ‘અભિસારી પ્લેટ’ કહે છે.
- અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં ફેરફાર થયા કરે છે. ભારતનાં વર્તમાન ભૂમિસ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયાં છે.
- એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે.
- સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે.
- પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે, ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને ‘રૂપાંતરિત પ્લેટ’ કહે છે.
- કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાનાલૅન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલૅન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો.
- કાળક્રમે ગોંડવાનાલૅન્ડથી અલગ થઈને ‘ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ’ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ તેગ (બેસિન) અસ્તિત્વમાં આવ્યો.
- સમય જતાં આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓનો કાંપ પુરાવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો.
- હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય : ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉચ્ચપ્રદેશના પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂ-નિમ્મજનને કારણે જ પશ્ચિમઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો.
4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો:
પ્રશ્ન 1.
ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
A. ઉત્તર પ્રદેશ
B. છત્તીસગઢ
C. ઓડિશા
D. તમિલનાડુ
ઉત્તર:
D. તમિલનાડુ
પ્રશ્ન 2.
ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્ય : ……………………….
A. બાંગ્લાદેશ
B. પાકિસ્તાન
C. શ્રીલંકા
D. નેપાળ
ઉત્તર:
B. પાકિસ્તાન
પ્રશ્ન 3.
નીચે આપેલાં રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવોઃ ઉત્તરાખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી
A. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
B. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
C. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ
D. કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ
ઉત્તર:
B. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
A. કૅનેડા
B. ઇંગ્લેન્ડ
C. પાકિસ્તાન
D. થાઈલૅન્ડ
ઉત્તર:
A. કૅનેડા
પ્રશ્ન 5.
ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?
A. અફઘાનિસ્તાન ઉત્તર-પશ્ચિમ
B. નેપાળ – ઉત્તર-પૂર્વ
C. ચીન – ઉત્તર
D. બાંગ્લાદેશ – પશ્ચિમ
ઉત્તર:
D. બાંગ્લાદેશ – પશ્ચિમ
