Class 10 Social Science Chapter 10 ભારત : કૃષિ

ભારત : કૃષિ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
અથવા
ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તે દરેક પર ટૂંક નોંધ લખો.
ઉત્તર:
ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છે છે:
1. જીવનનિર્વાહ ખેતી,
2. સૂકી (શુષ્ક) ખેતી,
૩. આદ્ર (ભીની) ખેતી,
4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી,
5. બાગાયતી ખેતી તથા 6. સઘન ખેતી.

1. જીવનનિર્વાહ ખેતીઃ જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી’ કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.

  • ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.
  • વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.
  • અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.
  • ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

2. સૂકી (શુષ્ક) ખેતી: જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કરવામાં આવે છે.

  • આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.
  • અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.
  • ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

૩. આદ્ર (ભીની) ખેતી જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં ‘આર્ત ખેતી’ થાય છે.

  • વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.
  • અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.

4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.

  • તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.
  • બે-ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત ‘ઝૂમ ખેતી’ પણ કહે છે.
  • અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. ? આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

5. બાગાયતી ખેતી સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી’ કહેવાય છે.

  • તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં { આવે છે.
  • તેને માટે મોટી મૂડી, સુદઢ આયોજન, ટેનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.
  • અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.
  • આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.

6. સઘન ખેતી જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે.

  • તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે.
  • આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.
  • તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
  • સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
  • તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.

પ્રશ્ન 2.
ભારતમાં કૃષિક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો.
ઉત્તર:
ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કષિક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે?

  • જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારને જમીનમાલિકીનો હક આપવામાં આવ્યો છે.
  • ‘જમીન ટોચ મર્યાદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.
  • ‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે.
  • ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.
  • બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.
  • ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય ને રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
  • દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે.
  • માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે.
  • ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ-વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.
  • સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.
  • 1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ (Natural Agri cultural Co-operative Marketing Federation of India- NAFED), 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ (Gujarat Co-operative Oilseeds Growers’ Federation – GROFED), 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board – NDDB) અને 4. ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ (GUJCOMASOL) વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.

પ્રશ્ન 3.
‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.
અથવા
ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો.
ઉત્તર:
વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે પ્રમાણે અસર થઈ છે:

  • ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
  • તેના પરિણામે ગુજરાતનાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનનાં બજારોમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યાં છે.
  • આ સંજોગોમાં ખેતપેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.
  • આપણાં કૃષિ-ઉત્પાદનોને પરદેશથી આવતાં એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.
  • વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું પેટન્ટ’ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.
  • વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતાં મોંઘાં ભાવનાં ‘જીનેટિકલી મોડિફાઈડ’ બી.ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યાં છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.
  • વૈશ્વિક બજારોમાં થતી ખેતપેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિક્ષેત્રે નવી ટેક્નોલૉજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે.
  • કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવાં પડશે.

પ્રશ્ન 4.
‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.
અથવા
ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર:
ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે.

  • વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે.
  • ભારતની 13 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.
  • તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે.
  • ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવી પાક છે.
  • તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10થી 15 °સે જેટલું અને લણણી વખતે 20થી 25 °સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
  • ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.
  • હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે.
  • ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે.
  • ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં-ઉત્પાદનનો 23 ભાગ આ રાજ્યોનો હોય છે.
  • આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.
  • આ ઉપરાંત, ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.
  • ગુજરાતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે.
  • પોષક તત્ત્વોની દષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વો હોય છે.
  • ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને “અનાજનો રાજા’ કહેવામાં આવે છે.
  • ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.

પ્રશ્ન 5.
‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.
ઉત્તર:
ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

  • આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે.
  • ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.

1. મગફળીઃ બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

  • તેના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25 °સે જેટલું તાપમાન તથા 50થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
  • તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.
  • તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે.
  • મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
  • ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.
  • ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ તેનો પાક વર્ષા આધારિત છે.

  • આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.
  • તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.
  • તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
  • ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
  • બધાં તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.
  • ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

3. સરસવ: તે રવી પાક છે. તે ઉત્તર ભારતનો મહત્ત્વનો છે તેલીબિયાં પાક છે.

  • સરસવનાં બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

4. નાળિયેરઃ તેને દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે.

  • ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરલમાં થાય છે.
  • આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન| નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.
  • ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.
  • નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ (કોપરેલ) મેળવાય છે.
  • દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાથ્યવર્ધક પીણાં તરીકે વપરાય છે.
  • ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે.

5. એરંડોઃ એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવી પાક છે.

  • ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે.
  • ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે.
  • એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.
  • ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે.
  • ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે?
ઉત્તરઃ
જૈવિક ખેતીનાં ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેતઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.

પ્રશ્ન 2.
તફાવત આપો ખરીફ પાક અને રવી પાક
અથવા
ખરીફ પાક અને રવી પાકનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તર:
ખરીફ પાક અને રવી પાક વચ્ચેનો તફાવતઃ

ખરીફ પાકરવી પાક
1. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.1. શિયાળામાં લેવામાં આવતા પાકને ‘રવી પાક’ કહે છે.
2. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.2. રવી પાકનો સમય ઑક્ટોબર નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે.
3. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી.૩. રવી પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે.
4. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મઠ-મગ, ખરીફ પાકનાં ઉદાહરણો છે.4. ઘઉં, જવ, ચણા, સરસવ,રાયડો, અળશી વગેરે રવી પાકનાં ઉદાહરણો છે.

પ્રશ્ન 3.
ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન
ઉત્તર:
ભારતના અર્થતંત્રમાં કૃષિપ્રવૃત્તિનું બહુ મહત્ત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે:

  • કૃષિપ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.
  • તે દેશના 60 % લોકોને રોજગારી પૂરી પાડે છે.
  • તે રાષ્ટ્રીય આવકનો 22 % જેટલો હિસ્સો આપે છે.
  • તે દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ 17 % હિસ્સો ધરાવે છે.
  • તે નિકાસ વ્યાપાર માટે ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિપેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
  • તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.
  • તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે.
  • કૃષિ-ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

પ્રશ્ન 4.
ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક – સમજાવો.
અથવા
ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યોનાં નામ જણાવો.
અથવા
નીચે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે ક્યો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો. (March 20)

ઉત્તર:
પ્રશ્નમાં આપેલ ચિત્ર ડાંગરના પાકનું છે. ડાંગરની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે:

  • ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે.
  • ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે.
  • વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.
  • ડાંગર ઉષ્ણ કટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે.
  • તેને નદીઓના મેદાનની કે મુખત્રિકોણપ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુતમ 20 °સે તાપમાન માફક આવે છે.
  • ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે.
  • ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે.
  • ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે.
  • ભારતની લગભગ 50 % વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
મકાઈનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ

  1. ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
  2. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે.
  3. મકાઈનો પશુઆહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્યતેલમાં ઉપયોગ થાય છે.

પ્રશ્ન 2.
કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.
ઉત્તર:

  1. કૉફીના પાકને 15 થી 28 °સે જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
  2. કૉફીના છોડને પહાડી ઢોળાવ પર, સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.

પ્રશ્ન 3.
ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે?
ઉત્તર:
ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે.

પ્રશ્ન 4.
હરિયાળી ક્રાંતિ એટલે શું?
ઉત્તર:
સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે.
કૃષિ-ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે.

પ્રશ્ન 5.
કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનાં નામ લખો.
ઉત્તરઃ
કૃષિ-સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓઃ (1) ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ) અને (2) DARE (ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન).

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
A. બાગાયતી ખેતીમાં
B. ઝૂમ ખેતીમાં
C. સઘન ખેતીમાં
D. આદ્ર ખેતીમાં
ઉત્તરઃ
B. ઝૂમ ખેતીમાં

પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
A. સજીવ ખેતીમાં
B. મિશ્ર ખેતીમાં
C. બાગાયતી ખેતીમાં
D. ટકાઉ ખેતીમાં
ઉત્તરઃ
A. સજીવ ખેતીમાં

પ્રશ્ન 3.
મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
A. કેરલ
B. તમિલનાડુ
C. મધ્ય પ્રદેશ
D. ગુજરાત
ઉત્તરઃ
D. ગુજરાત

પ્રશ્ન 4.
ચૉકલેટ શામાંથી બને છે?
A. તલમાંથી
B. કોકોમાંથી
C. રબરમાંથી
D. ચામાંથી
ઉત્તરઃ
B. કોકોમાંથી

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?
A. ઇસબગૂલ
B. મેથી
C. સરસવ
D. ધાણા
ઉત્તરઃ
A. ઇસબગૂલ

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?
A. અડદ
B. મગ
C. ચણા
D. મઠ
ઉત્તરઃ
C. ચણા

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.