Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન

ભારત: જળ સંસાધન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.
ઉત્તર:
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ

  • જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.
  • બીજી જરૂર જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી-બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી-બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.
  • જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.
  • આ અંગે કોઈ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.
  • જળ સંસાધનોની જાળવણી માટે ‘જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.

પ્રશ્ન 2.
ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.
અથવા
ભારતમાં જળસંકટ શાથી સર્જાયું છે?
અથવા
‘ભારતમાં જળસંકટની સમસ્યા દિવસે દિવસે વધારે ગંભીર બનતી જશે.’ આ વિધાન સમજાવો.
અથવા
આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતાએ ગંભીર સમસ્યા ઊભી કરી છે. સમજાવો.
ઉત્તર:
ભારતમાં કેટલાંક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે:

Textbook Solutions

  • ભારતમાં પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.
  • પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનાં શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે.
  • ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના . કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે તે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
  • આજે પણ ભારતમાં 8 ટકા શહેરોમાં અને લગભગ 50 ટકા ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
  • પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
  • આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

પ્રશ્ન 3.
વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો.
અથવા
વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) જણાવો.
અથવા
વૃષ્ટિજળ સંચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર:
ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે ‘વૃષ્ટિજળ સંચય’ કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ-સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત છે વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચય’ના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે :

  • પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
  • સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.
  • સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
  • ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી.
  • ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.
  • ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું.
  • મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.

વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
અથવા
‘બહુહેતુક યોજનાઓ એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? (March 20)
અથવા
‘બહુહેતુક યોજના’ના ઉદ્દેશોની સમીક્ષા કરો.
અથવા
બહુહેતુક યોજનાના લાભો કયા કયા છે? (August 20)
ઉત્તર:
નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.

બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે:

  • બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદન વધારવું.
  • બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
  • ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.
  • નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.
  • જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા.
  • બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિક્સાવવો.
  • નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.
  • લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.
  • જળાશયોમાંથી આજુબાજુનાં શહેરો અને ગામડાંને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.
  • બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.

પ્રશ્ન 2.
સિંચાઈ-ક્ષેત્રના વિતરણ વિશે લખો.
અથવા
ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ સમજાવો.
ઉત્તર:
ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો; પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

  • સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.
  • ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38 % છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.
  • મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8 % છે.
  • કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40 %થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.

પ્રશ્ન 2.
જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
અથવા
જળવ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
અથવા
“યોગ્ય જળવ્યવસ્થાપન જળસંકટથી બચાવે છે.” યોગ્ય દલીલોથી સમજાવો.
ઉત્તર:
જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. (અથવા નીચે દર્શાવેલી રીતો મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તેમજ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી જળસંકટથી બચી શકાય છે.)

  • બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નાહવાધોવા માટે, શૌચાલયોમાં તથા વૉશ-બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.
  • જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
  • જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે.
  • ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
  • કૂવા, ટ્યૂબવેલ, ખેત-તલાવડી જેવાં જળસ્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.
  • પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયું તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુક્સાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. વૃષ્ટિ
B. તળાવો
C. નદીઓ
D. સરોવર
ઉત્તર:
C. નદીઓ

પ્રશ્ન 2.
નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો:

1. ભાખડા-નંગલa. બિહાર
2. કોસીb. પંજાબ
3. નાગાર્જુનસાગરc. ગુજરાત
4. નર્મદાd. આંધ્ર પ્રદેશ

A. (1 – b), (2 – a), (3 – c), (4 – d).
B. (1 – b), (2 – a), (3 – d), (4 – c).
C. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
D. (1 – c), (2 – d), 3 – a), (4 – b).
ઉત્તર:

1. ભાખડા-નંગલb. પંજાબ
2. કોસીa. બિહાર
3. નાગાર્જુનસાગરd. આંધ્ર પ્રદેશ
4. નર્મદાc. ગુજરાત

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.
B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
C. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
D. પંજાબ અને હરિયાણા સિંચાઈ-ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.
ઉત્તર:
B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

પ્રશ્ન 4.
વર્ગખંડમાં ખેત-તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે?
A. જય: તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.
B. યશઃ તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.
C. યુગ તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનિક છે.
D. દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.
ઉત્તર:
D. દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.

પ્રશ્ન 5.
નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
A. ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
B. ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
C. નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-મંગલ
D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
ઉત્તર:
D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.