1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
ખાંડ અને ખાંડસરીનાં કારખાનાં ક્યાં સ્થપાયાં છે? શા માટે?
ઉત્તર:
ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.
શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
અથવા
ભારતના લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપો.
ઉત્તર:
ભારતના લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાનામોટા ભાગો બનાવવામાં આવે છે.
- ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સીરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
- ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા નામના સ્થળે 1930માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાંક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારપછી 1884માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે.
- લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યારપછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદનાં કારખાનાં સ્થપાયાં.
- સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટાં કારખાનાં સ્થપાયાં.
- લોખંડ-પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે – લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મૅગેનીઝની કાચી ધાતુ વપરાય છે.
- ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
- ટાટા સિવાયનાં ભારતનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ’ (Steel Authority of India Limited-SAIL) હસ્તક છે.
- લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
પ્રશ્ન 3.
ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંક નોંધ લખો.
ઉત્તરઃ
ઉદ્યોગોનું મહત્ત્વ નીચે પ્રમાણે છેઃ
- દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે.
- ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી.
- ઓદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દા. ત., યુ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. હું
- જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે હું દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાનાં કુદરતી સંસાધનોને ઓછા મૂલ્ય વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શક્તા નથી. તેમનો આર્થિક વિકાસ રુંધાઈ જાય છે.
- દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે.
- ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવનધોરણ સુધરે છે.
- ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનિકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદશક્તિ પણ વધે છે.
આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. - ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29 % જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે.
પ્રશ્ન 4.
(ભારતના) સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
ઉત્તર:
ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે.
- ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ.
- શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતાં. વળી, અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ 100 શહેરોમાં આવેલી છે.
- આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.
- મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું “વિશ્વમહાનગર” (Cottonopolis of India) કહેવાય છે. આ ઉપરાંત, પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઇમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.
- ગુજરાતમાં અમદાવાદને ‘પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ પણ કહે છે.
- આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂનાં યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ-પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
- ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યૂ.કે., યુ.એસ.એ., સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
અથવા
પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? તેને રોકવાના ઉપાયો જણાવો.
ઉત્તર:
ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ” કહેવાય છે.
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છેઃ
- ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે.
- ઈંધણની યોગ્ય પસંદગીઃ ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે.
- હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.
- ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.
- ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.
જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્ત્વની છેઃ
- વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો,
- પુનઃ ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને
- બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.
પ્રશ્ન 2.
ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
અથવા
ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
શ્રમિકોની સંખ્યા માનવશ્રમ), માલિકીનું ધોરણ અને કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે:
1. શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોના બે જૂથ બનાવી શકાય ? મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય (વધુ રોજગારી મળે) તે ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને સામાન્ય ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત, ખાંડસરી ઉદ્યોગ.
2. માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય. અંબાણી, ટાટા, બિરલા, બજાજ વગેરે . જૂથોની કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, જેનાં માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સંયુક્ત સાહસ છે. કેટલીક ખાંડની મિલો અને દૂધ ઉત્પાદક ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
3. કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ-આધારિત છે; જ્યારે લોખંડ-પોલાદ, સિમેન્ટ, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો ઍલ્યુમિનિયમ, તાંબું, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનીજ-આધારિત છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય કેન્દ્રો કેટલા છે? તે ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે તે
- વિશાખાપટ્ટનમ,
- કોલકાતા,
- રાંચી,
- મુંબઈ અને
- મામગોવામાં આવેલાં છે.
પ્રશ્ન 2.
સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે?
ઉત્તરઃ
સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઈટ, ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે.
પ્રશ્ન 3.
ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે?
ઉત્તર:
ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્લોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.
પ્રશ્ન 4.
ગુજરાતના કાગળ ઉદ્યોગનાં ચાર કેન્દ્ર જણાવો.
ઉત્તર:
ગુજરાતના કાગળ ઉદ્યોગનાં કેન્દ્રો : અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:
પ્રશ્ન 1.
નીચેનાં નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?
A. ઇંદોર
B. મુંબઈ
C. અમદાવાદ
D. નાગપુર
ઉત્તરઃ
B. મુંબઈ
પ્રશ્ન 2.
વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?
A. દ્વિતીય
B. પ્રથમ
C. તૃતીય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
A. દ્વિતીય
પ્રશ્ન 3.
ભારતનું કયું નગર સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?
A. દિલ્લી
B. બેંગલૂરુ
C. જયપુર
D. નાગપુર
ઉત્તરઃ
B. બેંગલૂરુ
પ્રશ્ન 4.
ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?
A. કંડલા
B. ઓખા
C. દ્વારકા
D. હજીરા
ઉત્તરઃ
D. હજીરા
