1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
રાષ્ટ્રીય ધોરી માર્ગો
ઉત્તર:
રાષ્ટ્રીય ધોરી માર્ગો (National Highways) :
તે આર્થિક અને સંરક્ષણની દષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.
- તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યુહાત્મક સ્થાનોને જોડે છે.
- તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે.
- તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.
- રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 143, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.
- શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
- જનસંખ્યાની દષ્ટિએ દેશમાં ચંડીગઢ, પુડુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માગની લંબાઈ ઓછી છે.
- ભારત સરકારે ઈ. સ. 2011માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે.
પ્રશ્ન 2.
ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો.
ઉત્તર:
ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે:
- જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા નથી, તો તમારે વાહન ચલાવવું ન જોઈએ.
- અનિવાર્ય હોય તો જ મોટા વાહનને “ઓવરટેક’ કરવું. તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઈટથી પૂરો સંકેત આપવો અને આગળ જતા વાહનની જમણી બાજુએથી જ તેને “ઓવરટેક કરવું.
- સાઇકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ. તેનાથી મોટાં અને ઝડપી વાહનો સરળતાથી જમણી બાજુએ જઈ શકશે.
- વાહનચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો. અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખીને પછી જ ફોન પર વાત કરવી.
- 108, ઍબ્યુલન્સ અને ફાયરબ્રિગેડનાં વાહનોને પહેલાં પસાર થવા દેવાં જોઈએ.
- નજીકનાં સ્થળોએ ચાલીને જાઓ અથવા સાઈકલનો ઉપયોગ કરવો.
- બિનજરૂરી હૉર્ન” મારવાનું ટાળવું.
- વાહનચાલકે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું કે જેથી અકસ્માત ન થાય.
- ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. – રાત્રે વાહન ચલાવતી વખતે આવશ્યકતા હોય ત્યારે જ ડીપરનો ઉપયોગ કરવો.
- વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું.
- નિયત સમયમર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી.
- પોતાના વાહનમાં અગ્નિશામક અને પ્રાથમિક સારવારપેટી રાખવી.
- વાહન ચલાવતાં પહેલાં વાહનમાં પૂરતા ઈંધણની, ટાયરમાં હવાના જરૂરી દબાણની તેમજ વાહનમાં કોઈ યાંત્રિક ખામી છે કે નહિ તેની ચકાસણી કરી લેવી. વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ રાખવી.
- ગાડીમાં બેઠેલ દરેક વ્યક્તિએ સીટબેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો. વાહન પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવા જરૂરી છે.
- ચાર રસ્તાની નજીક સિગ્નલ પાસે અને રેલવે ફાટક પર ઊભા રહેતાં વાહનોને બંધ કરવાં, જેથી ઈંધણનો બચાવ થાય.
- વાહનચાલકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ.
- એકમાર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહિ.
- વાહનચાલકે વાહનની બંને બાજુના તેમજ વાહનની વચ્ચેના અરીસાનો ઉપયોગ કરવો.
- વાહનનું પાર્કિંગ નક્કી કરેલ સ્થળે, અડચણરૂપ ન બને એ રીતે કરવું.
- વાહનની બ્રેકલાઇટ ચાલુ હોવી જ જોઈએ. જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જે-તે ઇન્ડિકેટર લાઈટનો અવશ્ય ઉપયોગ કરવો.
- સ્ટેટ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર લાઈન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત કરેલ લેનમાં ચલાવવી જોઈએ. ભારવાહક વાહનો ડાબી બાજુએ ચલાવવાં.
- માલવાહક વાહનોમાં ઉતારુઓને બેસાડવાં નહિ.
- વાહન ચલાવતી વખતે ગતિમર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.
- અકસ્માત થાય ત્યારે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલ મુસાફરોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થામાં મદદરૂપ થવું.
- દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મટ પહેરીને જ વાહન ચલાવવું.
- રસ્તા પર વળાંક દેખાય ત્યારે વાહનની ગતિ ઓછી કરવી.
- શાળા, હૉસ્પિટલ વગેરે નો હૉર્ન’ વિસ્તારમાંથી પસાર થતી વખતે હૉર્ન વગાડવું નહિ તેમજ ગતિમર્યાદા જાળવવી. બમ્પ આવે ત્યારે પણ વાહનની ગતિ ઓછી કરવી.
- વાહનચાલકે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી મેળવી લેવી.
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે?
ઉત્તરઃ
ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- આ પરિવહન સેવા ઉત્તર-પૂર્વ ભારતનાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવાં રાજ્યોમાં વધારે છે. દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે.
- જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે.
- ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે.
- ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. આ જળમાર્ગોમાં નાની-મોટી સ્ટીમરો ચાલે છે.

આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે :
- રાષ્ટ્રીય જળમાર્ગ : ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હદિયા – અલાહાબાદ જળમાર્ગ.
- રાષ્ટ્રીય જળમાર્ગ 2: બ્રહ્મપુત્ર નદીમાં 891 કિલોમીટરની લંબાઈનો ઘેબ્રી – સાદિયા જળમાર્ગ.
- રાષ્ટ્રીય જળમાર્ગ 3: પશ્ચિમ કિનારાની 250 કિલોમીટરની લંબાઈનો કોલમ કોટ્ટાપુરમ જળમાર્ગ.
- રાષ્ટ્રીય જળમાર્ગ 4: ગોદાવરી-કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા – પુડુચેરી જળમાર્ગ.
- રાષ્ટ્રીય જળમાર્ગ 5: બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોએનખલી – તાલચેર જળમાર્ગ,
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
સમૂહસંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છેઃ
- મુદ્રિત માધ્યમ– તેમાં વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે.
- ઇલેક્ટ્રોનિક માધ્યમ – તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 2.
ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે?
ઉત્તર:
ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચું લોખંડ, ઇજનેરી સામાન, સાઈકલ, પંખા, સિલાઈ મશીનો, વાહનો, રેલવેના ડબ્બા, કમ્યુટર સૉફ્ટવેર, રસાયણો, રત્ન-આભૂષણો, ચામડાં અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ અને વસ્ત્રો, શણ અને શણનું કાપડ, માછલાં, હસ્તકલાની વસ્તુઓ, ચા, કૉફી, તેજાના અને મસાલાઓ છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
ગુજરાતમાં રજજુ માર્ગ કયાં સ્થળોએ આવેલા છે?
ઉત્તર:
ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજુ માર્ગ (રોપ-વે) આવેલા છે.
પ્રશ્ન 2.
વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો કયાં છે?
ઉત્તર:
ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો છે.
પ્રશ્ન 3.
આંતરિક વ્યાપાર કોને કહેવાય છે?
ઉત્તર:
એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આંતરિક વ્યાપાર’ કહેવાય છે.
- દા. ત., પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજાં રાજ્યોમાં નિકાસ કરે છે -મોલે છે; જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી, તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યમાંથી આયાત કરે છે – મંગાવે છે.
- આમ, દેશનાં રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે-વેચને કારણે આંતરિક વ્યાપાર વિકસે છે.
પ્રશ્ન 4.
પહેલાંના જમાનામાં સંદેશાવ્યવહાર કેવી રીતે થતો?
ઉત્તર:
પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશાવ્યવહાર થતો.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:
પ્રશ્ન 1.
એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?
A. નેપાળી
B. ભોટિયા
C. ભૈયાજી
D. એક પણ નહિ
ઉત્તર:
B. ભોટિયા
પ્રશ્ન 2.
ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
A. 3 નંબરનો
B. 8 નંબરનો
C. 44 નંબરનો
D. 15 નંબરનો
ઉત્તર:
C. 44 નંબરનો
પ્રશ્ન 3.
રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી કોની છે?
A. રાજ્ય સરકારની
B. કેન્દ્ર સરકારની
C. જિલ્લા પંચાયતની
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B. કેન્દ્ર સરકારની
