ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
પ્રશ્ન 1.
કેટલાં વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે?
ઉત્તર:
18 વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે.
પ્રશ્ન 2.
લોકમત કેળવવા કયાં કયાં માધ્યમોનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
લોકમત કેળવવા મુખ્ય બે માધ્યમોનો ઉપયોગ થાય છેઃ
- મુદ્રિત માધ્યમો અને
- વીજાણુ માધ્યમો.
પ્રશ્ન 3.
ભારતમાં કયા કયા રાજકીય પક્ષો પ્રાદેશિક પક્ષો છે?
ઉત્તર:
ભારતમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK), આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને જનતા દળ યુનાઈટેડ (JDU), ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી (SP), જમ્મુ-કાશ્મીરનો નેશનલ કૉન્ફરન્સ, પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કોંગ્રેસ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના વગેરે પ્રાદેશિક પક્ષો છે.
2. વિધાનનાં કારણ સમજાવો:
પ્રશ્ન 1.
મતદાર લોકશાહીને જીવંત રાખે છે.
ઉત્તરઃ
ચૂંટણી લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્યવહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે. એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ, મતદાર લોકશાહીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે, મતદાર લોકશાહીને જીવંત રાખે છે.
પ્રશ્ન 2.
સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે.
ઉત્તર:
ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસનપદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો સરકારને રાજીનામું આપવું પડે છે. આમ, સંસદીય શાસનપદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. આમ, સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે.
પ્રશ્ન 3.
પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.
ઉત્તર:
મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતાં બે મુખ્ય માધ્યમો છે.
દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદાં જુદાં તારણો પર આવે છે.
રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ-જાણીને અને સમજીને પોતાનાં મંતવ્યો બાંધે છે.
આમ, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.
પ્રશ્ન 4.
ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે.
ઉત્તર:
લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહિ તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને હું તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે.
ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશના ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે.
આમ, ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેથી તે ‘લોકશાહીની પારાશીશી’ છે.
3. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
રાજકીય પક્ષના પ્રકારો
ઉત્તર:
ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે. તેથી દેશમાં અનેક નાના-મોટા રાજકીય પક્ષો છે.
- ચૂંટણીપંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણો પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે.
- આપણા દેશમાં રાજકીય પક્ષોના મુખ્ય બે પ્રકારો છે:
(1) રાષ્ટ્રીય પક્ષો અને
(2) પ્રાદેશિક પક્ષો. - જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે ‘રાષ્ટ્રીય પક્ષો’ કહેવાય છે અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે.
- કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણીપંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા ચાર ટકા મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે.
- આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC (Congress), ભારતીય જનતા પક્ષ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM), બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે.
- જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણીપંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે.
- આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ અને ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ-કશ્મીરનો નેશનલ કૉન્ફરન્સ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્લીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક પક્ષો છે.
- રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્ય પક્ષની માન્યતા મતોના આધારે રદ થઈ શકે છે; જ્યારે પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા મળી શકે છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: મતદાર અને સરકાર
ઉત્તર:
ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્ત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ મહત્ત્વ ધરાવે છે.
- ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ છે.
- 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદારયાદીમાં નામ ધરાવતો, નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે.
- આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચનીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયનાં (18 વર્ષ પૂરાં કર્યા હોય એવાં) તમામ સ્ત્રી-પુરુષોને મતાધિકાર આપ્યો છે.
- પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્ત્વની વિશેષતા છે.
- સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ ‘વ્યક્તિદીઠ એક મત’ના સિદ્ધાંત પર આધારિત છે.
- મતદાર જાગૃતિ અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ.
- ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ.
- લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે.
- દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 3.
ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો
ઉત્તર :
1. ચૂંટણીપંચ: ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે.
- ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણીપંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે.
- ચૂંટણીપંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે.
- તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે.
- તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમનાં ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે.
- દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા (નિયમો) પ્રમાણે પ્રચાર અને ચૂંટણીખર્ચ કરે છે કે નહિ તેની તકેદારી ચૂંટણીપંચ રાખે છે.
- તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે.
આમ, ચૂંટણીપંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત, તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે.
2. રાજકીય પક્ષો: રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્ત્વનું લક્ષણ છે.
- કોઈ પણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધપક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરાં કરવાં જોઈએ.
- રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિઃસ્વાર્થવૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે.
- લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં બે-ત્રણ જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે.
- ચૂંટણીપંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે.
4. તફાવત લખો:
પ્રશ્ન 1.
રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો
ઉત્તરઃ
રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વચ્ચેનો મુખ્ય તફાવત :
રાષ્ટ્રીય પક્ષો (National Parties)
- વ્યાપક કાર્યક્ષેત્ર: દેશભરમાં કાર્ય કરે છે અને રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડે છે.
- ઉદાહરણ:
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)
- ભારતીય જનતા પાર્ટી (BJP)
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPIM)
- બાહુજન સમાજ પાર્ટી (BSP)
- નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)
પ્રાદેશિક પક્ષો (Regional Parties)
- મર્યાદિત કાર્યક્ષેત્ર: ખાસ રાજ્ય કે પ્રદેશમાં કાર્ય કરે છે અને મુખ્યત્વે રાજ્યની ચૂંટણીમાં ભાગ લે છે.
- ઉદાહરણ:
- અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK)
- દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)
- રાષ્ટ્રીય જનતા દળ (RJD)
- સમાજવાદી પાર્ટી (SP)
- જનતા દળ (JD)
- શિવસેના (SS)
- શિરોમણી અકાલી દળ (SAD)
- ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ (AITC)
- આમ આદમી પાર્ટી (AAP)
પ્રશ્ન 2.
સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી
ઉત્તરઃ
સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:
સંસદીય લોકશાહી (Parliamentary Democracy)
- વડા પ્રધાનની પસંદગી: લોકસભામાં બહુમતી ધરાવતો નેતા રાષ્ટ્રપ્રમુખ દ્વારા વડા પ્રધાન તરીકે નિયુક્ત થાય છે.
- પદ છોડવાની ફરજ: જો વડા પ્રધાન સંસદમાં બહુમતી ગુમાવે, તો તેને પદ છોડવું પડે છે.
- મંત્રિમંડળની રચના: વડા પ્રધાન સંસદીય પદ્ધતિ અનુસાર મંત્રિમંડળ બનાવે છે.
- જવાબદારી: મંત્રિમંડળના સભ્યોની જવાબદારી વડા પ્રધાન પર હોય છે.
- રાષ્ટ્રપ્રમુખનું પદ: મુખ્યત્વે ઔપચારિક અને પ્રતિનિધિત્વનું પદ હોય છે.
પ્રમુખીય લોકશાહી (Presidential Democracy)
- પ્રમુખની પસંદગી: રાષ્ટ્રના પ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે.
- બહુમતીની જરૂરિયાત: પ્રમુખને સંસદમાં બહુમતી હોવી જરૂરી નથી.
- મંત્રિમંડળની રચના: પ્રમુખ પોતાની પસંદગી મુજબ મંત્રિમંડળ બનાવે છે.
- જવાબદારી: મંત્રિમંડળના સભ્યોની જવાબદારી પ્રમુખ પર હોય છે.
- પ્રમુખનું પદ: પ્રમુખ અમલકર્તા તરીકે કાર્ય કરે છે અને નિર્ણયો લે છે.
પ્રશ્ન 3.
મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો
ઉત્તર:
મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:
મુદ્રિત માધ્યમો (Printed Media)
- ઉદાહરણો: અખબાર, મેગેઝિન્સ, પુસ્તકો, પામફ્લેટ્સ, લિફલેટ્સ વગેરે.
- વિશેષતા:
- વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થાય છે.
- વાંચન પર આધારિત હોય છે.
- લેખનશૈલી, ભાષા અને છાપકામની ગુણવત્તા મહત્વપૂર્ણ હોય છે.
વિઝ્યુઅલ માધ્યમો (Visual Media)
- ઉદાહરણો: રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે.
- વિશેષતા:
- દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમો હોય છે.
- ‘જુઓ’ અને ‘સાંભળો’ પર આધારિત હોય છે.
- માહિતી ઝડપથી અને સરળતાથી પહોંચાડે છે.
5. ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ………………………. સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
અથવા
સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?
A. વ્યક્તિ દીઠ બહુમત
B. વ્યક્તિ દીઠ એક મત
C. વ્યક્તિ દીઠ વિરોધ મત
D. વ્યક્તિ દીઠ જાહેર મત
ઉત્તરઃ
B. વ્યક્તિદીઠ એક મત
પ્રશ્ન 2.
લોકમતના ઘડતર માટે ………………….. માધ્યમ ઓછું અસરકારક છે.
A. દશ્ય-શ્રાવ્ય
B. દશ્ય
C. શ્રાવ્ય
D. મુદ્રિત
ઉત્તરઃ
D. મુદ્રિત
પ્રશ્ન 3.
EVMનું સાચું (પૂર) નામ ………………………………. છે.
A. ઇલેક્ટ્રૉનિક વૅલ્યુ મશીન
B. ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન
C. ઇલેક્ટ્રોનિક વૉટિંગ મેથડ
D. ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન
ઉત્તરઃ
D. ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન
