વન્યજીવન Textbook Questions and Answers
1. નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો :
પ્રશ્ન 1.
ભારતના પ્રાણી-ભૌગોલિક પ્રદેશોની યાદી આપો.
ઉત્તર:
ભારતના પ્રાણી-ભૌગોલિક પ્રદેશો કુલ નવ છે:
Class 7 Solutions
- હિમાલય પ્રદેશ,
- લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર,
- હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર,
- હિમાલયનાં વનસ્પતિવિહીન ઊંચાં ક્ષેત્રો,
- ઉત્તરનું મેદાન,
- રાજસ્થાનનો રણપ્રદેશ,
- દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ,
- સમુદ્રકિનારો અને
- નીલગિરિની પહાડીઓ.
પ્રશ્ન 2.
વન્ય જીવો આજે સંકટમાં છે. આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
વન્ય જીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે.
- વન્ય જીવોનાં કુદરતી રહેઠાણ એવાં જંગલોનો મોટા પાયે વિનાશ છે થઈ રહ્યો છે. વધતી જતી માનવવસ્તી, મોટાં થઈ રહેલાં શહેરો. લાકડાંની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. તેની વિપરીત અસર વન્ય જીવો પર થઈ છે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે.
- ઘણી વાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્ય જીવોને મોતના મુખમાં ધકેલી દે છે.
- પોતાનાં પ્રાણીઓને સિંહ-દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ-દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે.
- પશુ-પક્ષીઓનાં માંસ, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે.
- વનવિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્ય જીવો માટે સંક્ટરૂપ છે.
- દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુ ને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે. તેથી ઘણાં વન્ય જીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી ઘણી મુશ્કેલીઓને કારણે વન્ય જીવો આજે સંકટમાં છે.
પ્રશ્ન 3.
વન્ય જીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો.
ઉત્તર:
વન્ય જીવ સંરક્ષણ માટેની મુખ્ય પરિયોજનાઓ નીચે મુજબ છે :
1. વાઘ પરિયોજના (પ્રોજૅક્ટ ટાઇગ):
દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈ. સ. 1973માં ‘વાઘ પરિયોજના’ (પ્રોજેક્ટ ટાઇગર) કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ પરિયોજના 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત હાલમાં 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
2. સિંહ પરિયોજના:
પહેલાં એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાનનાં જંગલો સુધી જોવા મળતા હતા. પરંતુ તેઓનો શિકાર અને જંગલોનો વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્ર દ્વિીપકલ્પના ગીરનાં જંગલોમાં જ જોવા મળે છે. એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા 100થી પણ ઓછી થઈ ગઈ હતી. તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈ. સ. 1972માં ગીરમાં સિંહ પરિયોજના અમલમાં મૂકી.
આ ઉપરાંત, ભારતમાં કશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગૂલ પરિયોજના’, ખારા પાણીના મગરમચ્છ માટે ‘મગરમચ્છ પરિયોજના’, ભારતીય ગેંડા માટે ‘ગેંડા પરિયોજના’, ‘હિમદીપડા પરિયોજના’ વગેરે પરિયોજનાઓ અમલમાં છે.
2. નીચેના સવાલોના સવિસ્તર જવાબ આપો :
પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો: ભારતનું વન્ય જીવ વૈવિધ્ય
અથવા
ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતનું ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદીમેદાનો, દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્રકિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે.
- તેમાં આવેલાં ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળાં જંગલો, શકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્ય જીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકા(Background)ની રચના કરી છે.
- તેથી દક્ષિણના દ્વિપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં એકશિગી ભારતીય ગેંડા, હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ-કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતનાં જંગલોમાં જંગલી ભેંસ (ભારતીય બાયસન), મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણના ઘુડખર (જંગલી ગધેડા) અને કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે.
- દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામનાં મોટાં પક્ષી જોવા મળે છે. ભારતનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબીરિયન ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે.
- પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે. – નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.
- કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુસમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.
- દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે સરીસૃપોની વિવિધ જાતો જોવા મળે છે.
- દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળવિસ્તારોમાં વિવિધ માછલાં મળે છે, જેમાં ડૉલ્ફિન, શાર્ક, ડુગાંગ (દરિયાઈ ગાય), ઑક્ટોપસ (રંગારા), વહેલ, મૅકરેલ, બુમલા, પોમફ્રેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે.
- દેશના કૃષિ-વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો વગેરે પ્રાણીઓ વિહરતાં જોવા મળે છે. » ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર
અતિ સુંદર છે. આ ઉપરાંત, કોયલ, પોપટ, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતનાં પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: વન્ય જીવ સંરક્ષણના ઉપાયો અથવા વન્ય જીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ?
અથવા
વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.
ઉત્તર:
વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો નીચે મુજબ છે :
- જંગલોનું જતન કરી તેમનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ.
- જંગલો અને વન્ય જીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ.
- સમાજનાં સ્વૈચ્છિક સંગઠનોએ વન્ય જીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ.
- વન્ય જીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ.
- દેશની વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, રહેઠાણો, કારખાનાં વગેરેનું આયોજન કરતાં પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ.
- જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોનાં પોલાણોમાં પક્ષીઓ રહેતાં હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે.
- યાયાવર (ભટકતાં) અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેત- 3 તલાવડીઓ કે જલપ્લાવિત વિસ્તારો(વેટલેન્ડ)ને જાળવવાં જોઈએ.
- ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો વાપરવાં જોઈએ.
- વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ.
- જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ.
3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :
પ્રશ્ન 1.
ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?
A. નવ
B. ચાર
C. છ
D. આઠ
ઉત્તર :
A. નવ
પ્રશ્ન 2.
સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?
A. 72 લાખ
B. 15 લાખ
C. 18 લાખ
D. 19 લાખ
ઉત્તર :
B. 15 લાખ
પ્રશ્ન 3.
ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?
A. કચ્છના મોટા રણમાં
B. હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં
C. દલદલના વિસ્તારોમાં
D. પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં
ઉત્તર :
D. પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં
પ્રશ્ન 4.
વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?
A. સુરખાબ
B. ચિલોત્રો
C. ઘોરાડ
D. પોપટ
ઉત્તર :
B. ચિલોત્રો
પ્રશ્ન 5.
દુર્લભ પરવાળાંની પ્રજાતિઓ ..
A. વેળાવદર
B. નળ સરોવર
C. લક્ષદ્વીપ ટાપુસમૂહ
D. ગીર અભયારણ્ય
ઉત્તર :
C. લક્ષદ્વીપ ટાપુસમૂહ
પ્રશ્ન 6.
ઘોરાડ ક્યા વિસ્તારોમાં જોવા મળે છે?
A. બૅટલૅન્ડમાં
B. પર્વતીય ક્ષેત્રોમાં
C. દલદલીય ક્ષેત્રોમાં
D. ઘાસભૂમિના વિસ્તારોમાં
ઉત્તર :
D. ઘાસભૂમિના વિસ્તારોમાં
